(N/A) નર જન્યુઓનું માદા જન્યુ તરફ વહન થવાની ક્રિયાને જન્યુવહન કહે છે.
જન્યુઓના નિર્માણ બાદ,નર અને માદા જન્યુઓ તેમનાં સાનુકૂળ જોડાણ (ફલન) માટે ભૌતિક રીતે ભેગા થાય છે.
મોટા ભાગના સજીવોમાં નર જન્યુ ચલિત અને માદા જન્યુ અચલિત હોય છે. અપવાદરૂપે,કેટલીક ફૂગ અને લીલમાં બંને પ્રકારના જન્યુઓ ચલિત હોય છે.
આથી,નર જન્યુઓના વહન માટે માધ્યમની જરૂર પડે છે. લીલ,દ્વિઅંગી (bryophytes) અને ત્રિઅંગી (pteridophytes) વનસ્પતિઓમાં પાણીના માધ્યમ દ્વારા જન્યુઓનું વહન થાય છે.
મોટી સંખ્યામાં નર જન્યુઓ માદા જન્યુઓ સુધી પહોંચવામાં નિષ્ફળ જાય છે. વહન દરમિયાન ગુમાવાતા નર જન્યુઓની પૂર્તતા કરવા માટે માદા જન્યુની સરખામણીમાં નર જન્યુઓની સંખ્યા હજારો ગણી વધારે હોય છે.
આવૃત બીજધારીઓમાં પરાગરજ એ નર જન્યુઓનું અને અંડક એ અંડકોષનું વહન કરે છે. માટે પરાગાશયમાં સર્જાતી પરાગરજનું ફલન પહેલાં પરાગાસન પર સ્થળાંતરણ થવું જરૂરી છે.
વટાણા જેવી સ્વ-ફલિત દ્વિલિંગી વનસ્પતિઓમાં પરાગાશય અને પરાગાસન એકબીજાની ખૂબ જ નજીક હોવાને કારણે પરાગરજનું પરાગાસન પર સ્થાપન પ્રમાણમાં સરળ છે,જેથી પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ તરત જ પરાગાસનના સંપર્કમાં આવે છે.
પરંતુ પર-ફલન દર્શાવતી વનસ્પતિઓ (એકલિંગી વનસ્પતિઓ સહિત) પરાગરજનું પરાગાસન પર સ્થાપન કરવા માટે એક ખાસ પ્રકારની ઘટના દર્શાવે છે,જેને પરાગનયન (Pollination) કહે છે.